લગ્ન માટે પાત્ર પસંદગીમાં મૂંઝવતા પ્રશ્નો ભાગ-1
તરુણાવસ્થા દરમિયાન રહેલો તરવરાટ એ યુવાનીમાં સૌને એકવાર તો મૂંઝવણમાં મૂકે જ એવો પ્રશ્ન એટલે જીવનસાથીની પસંદગી...
જ્યાં સુધી નિર્ણય લેવાય ના જાય ત્યાં સુધી કેટ કેટલીય શંકા કૂશંકા અને સલાહ સૂચનો અને આસપાસના સારા નરસા ઉદાહરણો મગજમાં ઘૂમ્યા કરે.!
હવે આવી અલંકૃત ભાષાના પ્રયોગ વીના આવીએ સીધા મૂળ મુંઝવતા મુદ્દાઓ ઉપર
લવ મેરેજ કરવાં જોઈએ કે એરેન્જ મેરેજ.?
આનો સીધો જવાબ એ છે કે જો તમને લવ થયો હોય અને તમને જે વ્યક્તિને લવ થયો હોય તેમને પણ તમારા જોડે જ થયો હોય અને સહમત હોય ઉપરાંત તમે સાહસિક હોવ અને એક જવાબદાર વ્યક્તિ હોવ તો લવ મેરેજ કરવા જ જોઈએ.. અને હાં તમારો સ્વભાવ બીજા ઉપર જવાબદારી ઢોળી દેવાનો ના હોવો જોઈએ.. તો જ લવ મેરેજ કરવાં.
બીજું એટલું કહેવા માંગીશ કે જો તમેં લવ મેરેજ કરવાનું વિચારી રહ્યાં હોવ તો બન્ને વ્યક્તિ એકબીજાની ક્ષમતા અને સહિષ્ણુતાથી અવગત હોવાં જોઈએ.! આ બાબતે અસ્પષ્ટ હોવાથી ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે, અને બીજું કે આ જમાનામાં આ બાબતે જાગૃત રહેવું પણ જરૂરી છે. કોઈ પોતાની ક્ષમતા ખોટી પણ રજૂ કરી શકે આપની સમક્ષ.! આ લવ મેરેજનો મોટો ગેરલાભ છે.
માટે માત્ર આકર્ષણથી જ ત્વરિત નિર્ણય લેવા કરતાં શાંત ચિતે લાંબાગાળાનું વિચારી સમજદારી પૂર્વક નિર્ણય લેવો અનિવાર્ય છે. કારણ કે લવમેરેજ કર્યા બાદ તમારી ઉપર જવાબદારી પ્રમાણસર વધુ રહેશે. માટે બન્ને માથી કોઇપણ વ્યક્તિને દોષનો ટોપલો બિજા ઉપર ઢોળી છૂટવાની આદત હોય તો ના કરશો લવમેરેજ. જશ અપજશના ધણી સિધા તમે બન્ને જ હશો. જે હકીકતમા સારી બાબત છે, પરંતુ સ્વાર્થી સમાજે તેને ખરાબ સ્વરૂપે પ્રસ્તુત કર્યુ હોવાથી તેની દરેકના મનમા ખરાબ છાપ છે.
વાત કરીએ લવ મેરેજના ફાયદાની તો બન્ને વ્યક્તિને એકબીજાના સ્વભાવ અને ગમા-અણગમા તથા ક્ષમતા અને ખામી વિશે લગભગ તમામ જાણકારી હોય છે, જેથી પુરી જિંદગી માનસિક રીતે સંકલન સારું એવું બન્યું રહે છે. સમજદારી પૂર્વક વર્તન કાયમ રહે તો લવ મેરેજ એ શ્રેષ્ઠ છે, પરંતુ જો માત્ર આકર્ષણ અને અણસમજુની માફક ઉતાવળે નિર્ણય લઈ લવ મેરેજ કરવામાં આવે તો ભવિષ્યમાં ખૂબ જ તકલીફ પડી શકે જેનું સોલ્યુશન લાવવું લગભગ અસંભવ હોય છે. કારણ કે ત્યારે સોલ્યુશન સ્વરૂપે જુદા થવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. માત્ર એકબીજાની પોઝિટિવ સાઈડ જોઈને જ આંધળા થઈ ઉતાવળ કરી હોય તો પછી નેગેટિવ સાઈડ ઉપરથી જેમ પરદો હટતો જાય તેમ તેમ દુઃખના વાદળો ઘેરાતા જાય અને એક સમયે ભવિષ્ય અંધકારમય બની જાય.!
હવે જે લોકો સમાજની નજરે ડાહ્યા અને સંસ્કારી રહ્યાં હોય, જેમને યુવાનીમાં કોઈ જોડે પ્રેમ જ ન થયો હોય અથવા તો એમ કહીએ કે જેને પ્રેમ તો થયો હોય એ જણાવી ના શક્યા હોય અથવા જણાવ્યું હોય તો એકતરફી જ પ્રેમ રહ્યો હોય અથવા કોઈ અગમ્ય કારણોસર જેમનો પ્રેમ દાંપત્યજીવનમાં પરિણમી શક્યો નહોય એવા વ્યક્તિને માટે તો એરેન્જ મેરેજ સિવાય કોઈ રસ્તો જ નથી રહેતો..!!
જ્યારે વાત આવે એરેન્જ મેરેજની તો અહીંથી જ વધારે અઘરો અને મૂંઝવતો તથા અસમંજસમાં મૂકતા પ્રશ્નો ઊભા થતા હોય છે મોટા ભાગના લોકોને...
અને આ સ્વાભાવિક છે, કારણ કે આ નિર્ણય ઉપરથી જ આપણા જીવનની બાકીની સફર નિર્ધારિત થતી હોય છે.
એરેન્જ મેરેજની વ્યવસ્થા દરેક વર્ણ, જાતિ અને પ્રદેશવાર અલગ અલગ હોય છે, પરંતુ પરિણામ એક જ હોવાનું..!!
અને એ છે "નિર્ણય લેતાં પહેલા ઉદભવતા પ્રશ્નો."
પાત્ર કેવું હશે? દેખાવે અને સ્વભાવે, સંપત્તિ અને સંસ્કાર, સમાજમાં સ્થાન, પદ અને ઈજ્જત થી લઈને ન જાણે કેટલાય માપદંડ મુજબ પારખવાની આ પ્રક્રિયા ખરેખર ગૂંચવાઈ જવાય એવી હોય છે..!!
એમાં પણ માત્ર ઘડી-બે ઘડીની મુલાકાત પરથી સમજી વિચારીને આવો મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો ખરેખર કોઈપણ વ્યક્તિ માટે અઘરું કામ છે.
જોઈએ આ મુંઝવતા પ્રશ્નોમાંથી કેમ બહાર આવી અને યોગ્ય નિર્ણય લઈ શકાય..
સૌપ્રથમ તો દરેક વ્યક્તિને પહેલો પ્રશ્ન એ રહેતો હોય કે, સામેવાળી વ્યક્તિને ઓળખવી કેમ? સ્વભાવ કેવો હશે, ગમો-અણગમો શું હશે..?
તો આ પ્રશ્નના જવાબમાં હું એટલું જ કહેવા માંગીશ કે સૌપ્રથમ તો બીજી કોઈ વ્યક્તિને બાદમાં ઓળખવી પણ પહેલા પોતાની જાતને ઓળખવી અતિ આવશ્યક છે, મતલબ કે પહેલા ખુદને ઓળખીએ તો આ પ્રશ્નની અડધી મૂંઝવણ દૂર થઈ શકે. કારણ કે મોટા ભાગના લોકો પોતે જે હોય તેનાંથી ખુદને અલગ જ સમજતાં હોય છે.!! હકીકતમાં તમેં તમને ઓળખી જાઓ તો તમારો તમારા વિશેનો ભ્રમ ભાંગી જાય. હવે વાત કરીએ સામે વાળી વ્યક્તિને ઓળખવાની તો આ તમારી નિરીક્ષણ શક્તિ કેટલી તેજ અને ચોક્કસ છે તેનાં પર આધાર રાખે છે. કારણ કે ઘડી એક ની મુલાકાતમાં કોઈપણ વ્યક્તિનો બાહ્ય દેખાવ જ 90% સમજી શકીએ.. સ્વભાવ સમજવા એક મુલાકાત કાફી નથી હોતી, વર્તણૂક સમજવા જે તે વ્યક્તિનું સારી-નરસી સ્થિતિમાં તીક્ષ્ણ નિરીક્ષણ થવું જરૂરી છે. કારણ કે બે ઘડી તો કોઈપણ વ્યક્તિ ચતુરાઈથી વાસ્તવિક સ્વભાવ અને વર્તણૂક પર કાબુ રાખી છુપાવી શકે.!
એટલા માટે જ મારું એવું દૃઢપણે માનવું છે કે તમારે સૌપ્રથમ તમને ખુદને ઓળખવાની જરૂર છે, જો તમેં ખુદને ઓળખી શકશો તો તમારી માટે મેચિંગ પાત્ર છે કે નહીં તે જાણવું થોડું સરળ રહે. ઘણીવાર વ્યક્તિ ખુદને ઓળખવામાં જ થાપ ખાઈ જાય છે, ખુદને સમાજ અને આસપાસના લોકોની ટિપ્પણીઓ ઉપરથી જજ કરીને ભ્રામક છાપ મગજમાં બનતી હોય છે જે વધારે મૂંઝવણમાં મૂકે..
હવે વાત કરીએ મેચિંગ થયું ક્યારે સમજવું? શું માત્ર ઊંચાઈ અને વર્ણ કે પછી ગમાં-અણગમાના માપદંડ મુજબ જ મેચિંગ કરવું પૂરતું છે?
આનો જવાબ તમારી માનસિકતા ઉપર નિર્ભર કરે છે કે તમારા માટે શું મહત્વપૂર્ણ માપદંડ છે. સૌપ્રથમ તો તમારા મગજમાં એક બાબત નક્કી હોવી જોઈએ કે તમે તમારી આસપાસના લોકો કે સમાજ અથવા દુનિયાને દેખાડવા પાત્ર પસંદ કરવા માંગો છો કે પછી ખુદ સુખી રહેવા.!?
બસ આ બે વિકલ્પ ઉપર આગળ નિર્ભર રહે છે પ્રક્રિયા.
મોટા ભાગના લોકો અથવા તો એમ કહીએ કે 90% લોકો સમાજ કે દુનિયામાં પોતાના જીવનસાથી સંદર્ભે સારી એવી છાપ પડે એવા ગૂઢ ઉદ્દેશને મગજમાં રાખીને પછી પાત્ર પસંદગીનો નિર્ણય કરતાં હોય છે. આ વાસ્તવિકતા છે. જ્યારે જૂજ લોકો પોતાના અંગત જીવનમાં સુખશાંતિની મહેચ્છા માટે પાત્રની પસંદગી કરે છે, જેને સમાજની કોઈપણ પ્રકારની ટિપ્પણીથી કોઈ જ ફરક નથી પડતો. હકીકતમાં પહેલા વીકલ્પમાં પણ આખરી ઉદ્દેશ તો મનને સંતોષ માટેનો જ હોય છે, એ બાબતમાં એમને પોતાના જીવનસાથીથી નહિ પણ જીવનસાથી અંગેની આસપાસના લોકોની ટિપ્પણી અને વાહવાહીથી વધુ સંતોષ મળતો હોય છે.!
પહેલા વિકલ્પમાં સમાજમાં સારી એવી છાપ પાડવા માટે રંગ રૂપ અને શારીરિક બાંધાને તથા સંપત્તિને પ્રમાણમાં વધારે મહત્વ આપવામાં આવતું હોય છે, જ્યારે બીજા વિકલ્પમાં સમાજ કે અન્ય લોકોની ટિકા ટિપ્પણીઓની પરવા કર્યા વગર વ્યક્તિની સમજદારી, સ્વભાવ અને માન્યતાઓ વગેરેને પ્રમાણમાં વધારે મહત્વ આપવામાં આવતું હોય છે.
હવે નક્કી તમારે કરવાનું હોય છે કે તમેં કયો વિકલ્પ પસંદ કરવા માંગો છો, આ તમેં તમારી જાતને ઓળખી લેશો તો જ નક્કી કરી શકશો કે હકીકતમાં તમેં કેવા વ્યક્તિ છો. એરેન્જ મેરેજના કેસમાં કોઈપણ નિર્ણય લ્યો એ પહેલા મારી ઉંમરના નવયુવાનોને એટલું ચોક્કસ કહેવા માંગીશ કે જીવનસાથીની પસંદગી કરતી વેળા એટલું જરૂર યાદ રાખવું કે માત્ર સમાજને દેખાડવા સોશિયલ મીડિયામાં છાપ ઉભી કરવા પૂરતી જિંદગી નથી હોતી, ઘણી બધી બીજી બાબતો પણ મહત્વની હોય છે. માટે ત્વરિત નિર્ણય લેતાં પહેલાં આપણે આપણાં માતાપિતા કે વડીલોનો અભિપ્રાય જાણવો ખૂબ જરૂરી હોય છે. કારણ કે આ ઉંમરે આપણે માત્ર ઓછાં માપદંડ ઉપર તોલી શકીએ જ્યારે વડીલો એમનાં અનુભવને આધારે બધાં એંગલથી વિચારતા હોય છે.
બીજો એક મહત્વનો માપદંડ એટલે અર્થોપાર્જન એટલે કે કમાણી માટે સામેની વ્યક્તિ શું કરે છે? નોકરી કે ધંધો?
આજકાલ સમાજમાં ધંધા કરતાં નોકરીને અને વધારે પગારને વધારે મહત્વનું માપદંડ માનીને આખરી નિર્ણય લેવામાં આવતો હોય છે, પરંતુ મારું અંગત એવું માનવું છે કે જો સામેની વ્યક્તિ કોઈપણ બિઝનેસ એટલે કે ધંધો કરતી હોય અથવા તો ભવિષ્યમાં બિઝનેશ કરવાનો ઇરાદો ધરાવતી હોય તો એ વ્યક્તિ સાથે નોકરી કરતી વ્યક્તિ કરતાં પ્રમાણસર વધારે ખુશ રહેશો. અહીં હું એવું બિલકુલ નથી કહેવા માંગતો કે નોકરી કરતી વ્યક્તિથી સુખ-શાંતિ નહિ મળે.! એટલે મેં 'પ્રમાણસર' શબ્દનો પ્રયોગ કર્યો છે.
હવે એક અલગ જ દિશા તરફ અને મહત્વના પ્રશ્ન તરફ આપનું ધ્યાન દોરવા માંગીશ.. "માં-બાપ કે વડીલો ખુશ હોય ત્યાં હાં પાડવી જોઈએ કે આપણે ખુશ હોઈએ ત્યાં.!?"
અહીં હું ટૂંકમાં કહું તો નિર્ણય લેતી વખતે બીજા વિકલ્પ તરફ પલડું ભારે રાખવું જોઈએ. અર્થાત આપણે જ્યાં સારું લાગે અથવા તો ખુશ હોઈએ ત્યાં હાં કરવી જોઈએ. અહીં એ યાદ રાખવું કે વડીલોની સલાહ અવગણવાનું નથી કહેતો, વડીલોની સલાહને ધ્યાને ચોક્કસ લેવી જોઈએ પણ તમારા મનમાં જ્યાં સારું લાગે ત્યાં જ અમલ કરવો જોઈએ. જેનું કારણ છે જનરશેન ગેપ.
આ બાબતે અન્ય એક મૂંઝવતો પ્રશ્ન કે, લાયકાતમાં બરાબરી જરૂરી છે કે નહીં? જો હાં તો કેટલી?
આજકાલના યુવાનોને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન એ છે કે પોતાની જે લાયકાત છે, શૈક્ષણિક કે પછી અનુભવ અને આવડતની તેને સમકક્ષ લાયકાત ધરાવતું પાત્ર મળવું ખૂબ અઘરું છે. મારું એવું અંગત માનવું છે કે પાત્ર પસંદગીમાં શૈક્ષણિક કે આવડત જેને લોજો સ્કિલ કહે છે તે માત્ર 10% જ મહત્વનું માપદંડ છે. તેનાથી ઝાઝો કોઈ ફરક નથી પડતો. સમકક્ષ લાયકાત હોય કે ઓછા વધુ હોય તેનાથી તમારાં જીવનમાં ત્યાં સુધી ફરક નહિ પડે જ્યાં સુધી તમે લાયકાતને ગંભીરતાથી નહી લો.!! મારું અંગત એવું માનવુ છે કે આપણાંથી ઓછી લાયકાત વાળા લોકો પણ આપણાથી વધુ સમજદાર હોય શકે અને વધુ લાયકાત વાળા લોકો ઓછાં સમજદાર પણ હોય.!
લાયકાત એ સૌની સ્થિતિ અને વાતાવરણ પર નિર્ભર કરતું પરિબળ છે.
અંતે એટલું જ કહેવા માંગીશ કે નિર્ણય લેવામાં ઉતાવળ પણ ના કરવી જોઇએ અને મોડું પણ ના થવું જોઈએ. શક્ય એટલી તમારી નિરીક્ષણની આવડતમાં વધારો કરો અને મનને ગમે એના પર મગજથી મનન ચિંતન કરીને પછી નિર્ણય લેવો. એક વાત યાદ રાખો કે તમે જે નિર્ણય લઈ રહ્યા છોવ એ નિર્ણય લેતી વખતે સાચો કે ખોટો નિર્ણય હોતો જ નથી, એ સાચો કે ખોટો નિર્ણય એ હંમેશા ભવિષ્યમાં તે નિર્ણયના પરિણામ ઉપર આધાર રાખે છે. માટે નિર્ણય લેતી વખતે ડરવાની કે મૂંઝાવવાની જરૂર નથી, કારણ કે ભવિષ્ય કોઈ જાણતું નથી. પોતાની જાત પર વિશ્વાસ રાખીને શાંત ચિત્તે નિર્ણય લઈ આગળ વધવું..
અહીં લખેલ તમામ વિચારો મેં મારાં નિરિક્ષણ અને મારી માન્યતાને આધારે રજૂ કર્યા છે, બની શકે આપ સહમત ના પણ હોવ.! પરંતુ મને જેટલા પ્રશ્નો મિત્રો તરફથી મળ્યા અને હુ જેટલા પ્રશ્નો અંગે જે કાંઈ થોડું ઘણું જાણતો હતો તે મુજબ જ્વાબ આપવા પ્રયાસ કર્યો છે.
આજે આટલું બસ, આ બાબતે ભાગ 2 માં તમારા પ્રશ્નોના જવાબ આપવાનો વિચાર છે. તો તમે નીચે કમેન્ટ કરી શકો, મારી અનુકૂળતાએ બ્લોગ લખી જવાબ આપીશ અને શેર કરીશ.
આભાર.
વાહ ભરતભાઈ ખૂબ સરસ વાત કહી...
ReplyDelete